Sunday, September 4, 2011

સંતો જુઓ વિચારી

સંત કબીર દાસ
જ્ઞાની ધ્યાની સંતો જુઓને વિચારી,
આંખ વિના, પાંખ વિના, મુખ વિના નારી જી. (ટેક)

અંગડાનિ ઉજળી મુખડાની મીઠી,
ઇન્દ્રની સભામાં અમે રમતા દીઠી.  આંખ...

ઊંડો રે કૂવો સંતો પાંચ પનિયારી,
સર્વે પાણીડાં ભારે ન્યારી ન્યારી.  આંખ...

કાયા રે નગરમાં ધોબણ રાણી,
કપડાં ધૂવે સાબુ વિના પાણી.  આંખ...

આ રે કાયામાં ઘાંચણ રાણી,
તલડાં પીલે વિના બળદ ઘાણી.  આંખ...

કહત 'કબીર' સૂનો ભોઈ સાધો,
માતા કુંવારી એનો પિતા બ્રહ્મચારી.  આંખ...

બોલનહારો તે ક્યાં વસે ?



કબીર સાહેબ
 
સંસારી શું જાણશે? જ્ઞાની કરોને વિચાર;
બોલનહારો તે ક્યાં વસે? બોલનહારો તે ક્યાં વસે? (ટેક)

પાણીથી છે પાતળો, જેવી ધૂમસની ધાર;
પિંડ બ્રહ્માંડની પાર છે, નોંધારનો આધાર. સંસારી...

શૂનની ધૂનમાં ધમધમે, ત્યાં છે પવનનો વાસ;
મેહુલા ત્યાં વરસે મોટી તણા, ઘનઘોર આકાશ. સંસારી...

તખત તરવેણીના તીરમાં, ખેલ જુઓ અપરંપાર;
પાંચ તત્વ પરગટ રમે, જેમ કરે વીજ ચમકાર. સંસારી...

ગગનમંડલ ના ગોખમાં, વાગે અનહદ નાદ;
ઉનમુનિએ ઓળખાય જે, ખેલ છે ખાંડાની ધાર. સંસારી...

દશ મેં દ્વારે દેવ છે, સોહમ શબ્દની પાર;
કહે 'કબીર' કૂડું નહીં, સાચું અગમ અપાર.

સંસારી શું જાણશે? જ્ઞાની કરોને વિચાર. બોલણ...